અમદાવાદ, 11 જૂન, 2022: ગુજરાત પોલીસ વિભાગ તથા ફાયર અને સેફ્ટી વિભાગના ઝાંબાઝ અને નીડર કર્મચારીઓની દેશના નાગરિકોની સુરક્ષા અને સલામતી પ્રત્યેના સમર્પણની ઓળખ કરવા તથા તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગર્વ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહને પ્રાપ્ત થયેલાં પ્રોત્સાહક પ્રતિસાદથી પ્રેરાઇને ગર્વ ફાઉન્ડેશન દ્વારા આજે અમદાવાદમાં હોટલ ક્રાઉન પ્લાઝા ખાતે તેની સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે તેની પ્રથમ જાહેર સભા યોજાઇ હતી.
આ પ્રસંગે ગર્વ ફાઉન્ડેશનના કુંતલ પટેલ, જૈમિત શાહ, જય જોષી અને નિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પોલીસ વિભાગ તથા ફાયર અને સેફ્ટી વિભાગના કર્મચારીઓનું સન્માન કરવા યોજાયેલા એવોર્ડ સમારોહને સામાન્ય જનતા, રાજકીય પ્રતિનિધિઓ તથા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રકારના એવોર્ડ સમારોહથી નાગરિકો વચ્ચે જવાનોના નિઃસ્વાર્થ યોગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત કર્મચારીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. ગર્વ એવોર્ડ્સની સફળતાથી પ્રેરાઇને આગામી સમયમાં પોતાની પાંખોને ફેલાવીને સંખ્યાબંધ લોકકેન્દ્રિત કાર્યક્રમો યોજવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ગર્વ ફાઉન્ડેશન વિશેષ કરીને પોલીસ, ફાયર, મેડિકલ અને ડિફેન્સના પરિવારજનોને સરકારની નીતિઓનો લાભ લેવા માટે જરૂરી કાનૂની પ્રક્રિયાઓ, તેમને તબીબી સારવાર ખર્ચમાં સહાય, નાણાકીય સહાય તથા ગરીબ પરિવારોની દિકરીના લગ્નમાં સહાય જેવી કામગીરીમાં લાંબા સમયથી સંકળાયેલું છે.
ઓર્ગેનાઇઝેશન દ્વારા રીડીંગ રૂમ, લાઇબ્રેરી, સ્ટડી સર્કલ, સેમીનાર, નોલેજ સેન્ટર્સ પણ ચાલુ કરવામાં આવશે, જેથી તેમના પરિવારના બાળકો જીવનમાં આગળ વધીને તેમના સપના સાકાર કરી શકે. તેમાં ફિઝિકલ એક્સરસાઇઝ કોચિંગ ક્લાસિસ, ફિટનેસ સેન્ટર્સ, કરાટે ક્લાસિસ વગેરે પણ સામેલ છે. રોજગાર સર્જન તથા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં સરકારના પ્રયાસોમાં મદદરૂપ બનતા ગર્વ ફાઉન્ડેશન કોટેડ ઇન્ડસ્ટ્ટરીઝ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, હોમ ઇન્ડસ્ટ્રીઝ સહિતના નાના એકમોના સંચચાલન અને યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી માર્ગદર્શન પણ પ્રદાન કરશે.