**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ- રાજ્યના આરોગ્ય બજેટમાં આ વખતે 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી – વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડમેપનો લક્ષ્યાંક- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અન્વયે 2030 સુધીમાં ‘એઈડ્સમુક્ત ભારત’ના સંકલ્પમાં સૌ સહયોગ આપીએ
**એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા અમદાવાદમાં આયોજિત ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંમેલન
**ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે ASICON 2025નું રાષ્ટ્રીય સંમેલન
**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવ્યો હતો

ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. એઈડ્સ નાબૂદીના પ્રયાસો અને ASICON સંમેલન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં એઈડ્સ નાબૂદીના પ્રયાસોમાં ગુજરાત અગ્રેસર છે.

ASICON 2025 જેવા કાર્યક્રમો આ પ્રયાસોને વધુ વેગવાન બનાવશે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને આરોગ્ય સેવાઓની વ્યાપક ઉપલબ્ધતા થકી ટકાઉ વિકાસ લક્ષ્યાંકો અનુસાર વર્ષ 2030 સુધીમાં એઈડ્સમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પણ આ કોન્ફરન્સ માર્ગદર્શક અને દિશાસૂચક સાબિત થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના આ વર્ષના બજેટમાં લોકોની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરવા અને આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના ધ્યેય સાથે આરોગ્ય બજેટમાં 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ‘હોલિસ્ટિક હેલ્થકેર’ની પ્રણાલિને આત્મસાત્ કરતાં રાજ્યમાં ખૂણેખૂણા સુધી, છેવાડાના ગામો સુધી અને સામાન્યમાં સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત 11,000થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,અત્યારે ગુજરાતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષ જેટલું છે, જેને 2047 સુધીમાં 84 વર્ષ જેટલું કરવાનો લક્ષ્યાંક વિકસિત ગુજરાત રોડમેપમાં રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સર્વે સન્તુ નિરામયા’ની ભાવના સાથે નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રીએ ટીબી, એઈડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે સૌને મિશન મોડ પર કામ કરવા પ્રેરિત કર્યા છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં અસાધારણ બીમારીઓની સારવારમાં ઉપયોગી 36 જેટલી જીવનરક્ષક દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
દેશભરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી એચઆઇવી એઈડ્સ નાબૂદી અને જાગૃતિ પ્રત્યે કરવામાં આવી રહેલી નોંધપાત્ર કામગીરીના લીધે આજે સમાજમાં માનસિકતા બદલાઈ છે.
આજે એચઆઇવી એઈડ્સના દર્દીઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ASICON 2025 સંમેલનમાં દેશભરમાંથી ઘણા એચઆઇવી(HIV) ક્લિનિકલ કેર નિષ્ણાતો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે.
દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઈટાલી, જર્મની, કેન્યા વગેરે જેવા દેશોના એચઆઈવી નિષ્ણાતો પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
ત્રણ દિવસીય સંમેલનમાં એચઆઇવી (HIV) સંબંધિત વિવિધ વિષયો પર તબીબી વ્યાખ્યાનો અને સત્રો યોજાશે.
ઉદ્ઘાટન સમારંભમાં એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. ઇશ્વર ગિલાડાએ પ્રાસંગિક ઉદ્બોધન સાથે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ASICON 2025ના સહ-અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલે આભાર વ્યક્ત કર્યો હતો.
ASICON 2025 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, એઇડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિલીપ મથાઈ, એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. ઇશ્વર ગિલાડા, ASICON 2025ના સહ-અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલે સહિત દેશ- વિદેશના એચઆઈવી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.