અમદાવાદ, 09 ઑક્ટોબર, 2024: નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસનો હિસ્સો ગણાતી પ્રિ. એમ. સી. શાહ કૉમર્સ કૉલેજએ હાલમાં જ નવરાત્રિની ઉજવણી કરવા માટે સંસ્થામાં વાઇબ્રન્ટ ગરબા ઇવેન્ટ યોજ્યો હતો. વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો અને સ્ટાફના સભ્યોએ આ ઉજવણીમાં હોંશભેર ભાગ લીધો હતો.
પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઑફિસર ડૉ. જનક કવૈયા દ્વારા સંકલિત આ ગરબાના કાર્યક્રમમાં લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ખેલૈયાઓ અટક્યાં વગર સતત અઢી કલાક ગરબા રમ્યાં હતાં. વિદ્યાર્થીઓ પરંપરાગત પરિધાનોમાં સજ્જ થઈને આવ્યાં હતાં, જેમાં સ્ત્રીઓએ વિવિધરંગી સુંદર ચણીયાચોળી અને દુપટ્ટા પહેર્યાં હતાં, જ્યારે પુરુષોએ રંગબેરંગી પાયજામા અને ધોતીની સાથે રંગીન કુર્તા અને કેડિયા પહેર્યાં હતાં.
સંસ્થાના સમગ્ર સ્ટાફ અને ફેકલ્ટીના સભ્યોની સાથે પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સંસ્થામાં દરેક તહેવારની ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં એક સમુદાય તરીકેની અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગર્વ લેવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવે છે. નવરાત્રિની ભવ્ય ઉજવણી પણ તેમાંથી બાકાત નથી.