3 ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવારના રોજ “વિચાર ટ્રસ્ટ” ના ઉપક્રમે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવીનીકરણનું લોકાર્પણ અને ગાંધી મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ રળિયામણા પ્રસંગે ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
૨જી ઓક્ટોબર, ૨૦૨૪ એટલે રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી ૧૫૫મું જન્મજયંતિ અને વર્ષ ૨૦૨૪નું ગાંધી મિત્ર એવોર્ડ શ્રી દિનેશભાઇ મનજીભાઇ લાઠીયા, શ્રીમતી જિજ્ઞાબહેન ભાસ્કરભાઈ શેઠ અને શ્રી અલ્પેશભાઈ રમેશભાઈ બારોટ ને એમના અથાક પ્રયાસો અને ગાંધીવાદી વિચારધારા માટે શ્રી અમિત શાહ અને શ્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે એનાયત કરવામાં આવશે.
અમદાવાદમાં વિશ્વનું અજોડ, અનન્ય અને અદ્રિતિય કહી શકાય તેવું ધાતુપાત્ર (વાસણ) સંગ્રહાલય આવેલું છે. વિશાલાના પરિસરમાં આવેલા આ મ્યુઝિયમના સર્જક છે શ્રી સુરેન્દ્રભાઈ પટેલ. આ સંગ્રહાલયમાં 4000થી વધુ વાસણો છે. તેમણે રઝળપાટ કરીને, ખાંખાંખોળા કરીને, સંશોધન કરીને, અહીંથી અને ત્યાંથી, જ્યાં જ્યાંથી મળ્યાં ત્યાંથી આ વાસણો ભેગાં કર્યાં છે. વાસણ એ માત્ર પાત્ર નથી એ કૃતિ છે અને સંસ્કૃતિ પણ છે. વિનોબા ભાવે કહેતા કે સમયના પ્રવાહમાં રચાતી અનેક કૃતિઓમાં જે કૃતિ લોકમાનસ અને સમાજ દ્વારા સ્વીકારાય તે સંસ્કૃતિ બને. ધાતુપાત્ર સંગ્રહાલય કૃતિ, કલાકૃતિ અને સંસ્કૃતિનું ભવ્ય સ્થાનક છે. વિવિધ આકાર અને પ્રકારનાં આ વાસણોમાં લોકસંસ્કૃતિનાં અવનવાં પ્રતિબિંબ ઝીલાયાં છે.
ધૂની સુરેન્દ્રકાકા (મૅનેજિંગ ટ્રસ્ટી, વિચાર ટ્રસ્ટ)એ તન-મન અને ધનનો મોટો ભોગ આપીને આ સંગ્રહાલયનું સર્જન કર્યું છે. શરૂઆતમાં પૈસા નહોતા તો તેમનાં ધર્મપત્ની સ્મિતાબહેનનાં ઘરેણાં બેન્કમાં ગિરવે મૂકીને તેમણે આ સંગ્રહાલયને આગળ ધપાપ્યું છે.ત્રણ વખત તે ઈજાગ્રસ્ત બન્યું. નાજુક સંજોગોમાં પણ તેને તેના સર્જકે, પોતાના સંતાનને ઊંચકીને છાતીસરસું ચાંપતા હોય તેમ સાચવી લીધું છે. પુનઃ એક વખત તેનો નવો અવતાર થયો છે. સુરેન્દ્રકાકાએ પ્રારંભથી જ દીર્ઘદૃષ્ટિ રાખીને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે. હજી પણ તેનું એવું નક્કર આયોજન કરવા ધારે છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે.