જલારામ ગૌશાળા ભાભર દ્વારા સોલાભાગવત એસ.જી. હાઇવે અમદાવાદ ખાતે 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી દિવ્ય શ્રી ગૌ કૃપા કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો કથા સમય સાંજે 4 કલાકથી 7 કલાક સુધીનો રહેશે. શ્રી સિદ્ધ સદગુરુ ત્યાગી રાષ્ટ્રભક્ત, ગૌ ભક્ત, ગૌ ભૈરવ ઉપાસકના મુખેથી ગૌ કથા રૂપી અમૃતનું રસપાન થશે.
જેમાં મુખ્ય યજમાન શ્રી તરીકે માતૃશ્રી આસાદેવી રાજારામ ગુપ્તા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી શ્રી મદનલાલજી ગુપ્તા હાજર રહેશે. સમગ્ર આયોજન સમસ્ત ગૌ રક્ષક ગૌ ભક્ત, ગૌ સેવક અમદાવાદ અને શ્રી જલારામ ગૌશાળા ભાભર દ્વારા કરવામાં આવ્યું છે. જલારામ ગૌશાળા ભાભર એ ભારતભરની મોટી હોસ્પિટલ અને ગૌશાળા છે. 28 નવેમ્બરના રોજ રવિવારથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એ પહેલા કળશયાત્રા 27 નવેમ્બર શનિવારના રોજ સાંજે 4:00 કલાકથી ઉમિયાધામ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદથી પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચશે.
આપણી સંસ્કૃતિમાં પર્યાવરણ, ગૌ સેવાનું રક્ષણ, પ્રચાર-પ્રસાર કરવાના હેતુસર સિદ્ધ સદગુરુ ત્યાગી સંત મહાત્મા અને રાષ્ટ્રભક્ત ગૌભક્ત ઉપાસક 31 વર્ષની ભારતભ્રમણ પદયાત્રા કરવા નીકળ્યા છે. જેમને નવ વર્ષમાં 82 હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે જેમને 10માં વર્ષમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી 18000 ગામોમાં પદયાત્રા કરી ગૌ માતાના રક્ષણ અર્થે ગૌ શાળાઓ ખોલાવી, ગૌ સેવા માટે અનેક લોકોને પ્રેરિત કર્યા છે તેમજ વૃક્ષો રોપી પર્યાવરણનું જતન કર્યું છે. તેવા આ મહાત્માના મુખેથી ગૌ કથા સાંભળવાનો અનેરો મોકો મળશે.
શ્રી જલારામ ગૌ શાળા ભાભર દ્વારા ગૌ કૃપા કથા મહોત્સવનો મુખ્ય હેતુ એ છે કે ગૌ સેવા દ્વારા લોકોમાં જાગૃતિ આવે, ગૌ માતા દેવી શક્તિ છે જેની ઉપેક્ષા થઈ રહી છે. ગૌ માતાના પંચગવ્ય ઘી, દૂધ, દહીં, છાસ, ગૌમુત્ર દ્વારા લોકોના આધ્યાત્મિક શારીરિક-માનસિક સર્વે દુઃખોને દૂર કરવા અને વાસ્તુ દોષ દૂર કરનાર તેમજ આધ્યાત્મિક પોઝિટિવ શક્તિઓને લાવનાર છે. દરેક પ્રકારના દુઃખોનું નિવારણ ગૌ માતા દ્વારા શક્ય છે. આ પ્રકારની માહિતી જ્ઞાનસભર ભવ્ય કથામાં સાંભળવા મળશે. આજે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. જેથી અત્યારના સમયમાં એક જ ઉપાય છે ગૌમાતાની સાચી સેવા.
શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં બિમાર, લુલી, લંગડી થયેલી અશક્ત, અંધ ગૌ માતાની છેલ્લા 20 વર્ષથી સેવા થઈ રહી છે. જે ગુજરાતભરમાંથી રોજની 15થી 20 બિમાર, કે એક્સિડન્ટ થઇ ગયો હોય તેવી ગૌ માતાને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અહીં લાવવામાં આવે છે. આજીવન દવા, ઘાસ, પાણી 24 કલાક આપવામાં આવે છે. ગૌ શાળામાં રોજની લગભગ ત્રીસ ગાડી ઘાસચારાની વપરાશમાં લેવાય છે અને એક દવાનો માસિક ખર્ચ પણ વધારે થાય છે અને 280ના સ્ટાફ સાથે દેખરેખ રાખનાર સેવકો અને ડોક્ટરો તેમજ અન્ય ભક્તો દ્વારા ગૌ સેવા ભાવથી કરવામાં આવી રહી છે. ગૌ સેવાના પ્રચાર-પ્રસાર માટે આપણે સૌ આગળ આવવું પડશે. જે હેતુથી જ આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.