અમદાવાદ, 4 ઑક્ટોબર, 2021: મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વમાં ઇતિહાસના એક પરિવર્તનકારી પ્રેરણામૂર્તિ તરીકે વિખ્યાત છે. તેમણે આજીવન જે મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કર્યું તેનાથી પ્રેરિત થઈ અને યુવા પેઢીમાં તેમનો પ્રચાર-પ્રસાર કરવા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓએ શુક્રવારે ગાંધીજયંતીની પૂર્વસંધ્યાએ ગાંધીજીના જીવનના કેટલા પ્રસંગો અને તેમના પોતાના અનુભવોને ફેસબૂક-લાઇવ ઑડિયન્સ સાથે શૅર કર્યા હતા.
ગાંધી નામ જ સત્ય, પ્રામાણિકતા અને સાદાઈનો વિકલ્પ છે. તેમના આ મૂલ્યોએ તેમને ખ્યાતિ અપાવી. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા ફક્ત એટલા માટે જ નહીં પરંતુ પોતાની સાદગી અને સિદ્ધાંતો ધરાવતા શિસ્તભર્યા જીવન વડે અનેક લોકોને પ્રેરિત કરવા બદલ તેમને આ સન્માન મળ્યું. સાચું જ કહેવામાં આવ્યું છે કે, ‘માણસ બીજું કંઈ નહીં પરંતુ તેના વિચારોનો પરિપાક છે. તે જે વિચારે છે, તે જ બને છે.’ તેમનું જીવનદર્શન સંપૂર્ણપણે મૂલ્યો પર આધારિત હતું, જે તેમના કર્મો અને વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે.
શિક્ષક અને આ વેબિનારના સંયોજક સુશ્રી સુષ્મિતા ચક્રવર્તી, વિદ્યાર્થીઓ શ્રી સૌમ્યા પાલિવાલ, સુશ્રી આયેશા ધોરાજીયા અને સુશ્રી હંસિકા શાહે તેમના પ્રેરણાસ્રોત સમાન બાપુના જીવનપ્રસંગો પર પ્રકાશ પાડ્યો હતો. ગાંધીજીના જીવનપ્રસંગો પૈકીના એક પ્રસંગનો ઉલ્લેખ કરતાં શ્રી સૌમ્યાએ પ્રામાણિકતા અને આત્મસંયમ જેવા મૂલ્યોનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તો સુશ્રી હંસિકાએ એ ઘટના વર્ણવી હતી, જ્યારે બાપુએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના દ્વારા તેમણે યુવાનોને અસમાનતાની બેડીઓમાં બંધાયેલા પોતાના દિમાગને મુક્ત કરવા અને ભેદભાવ કરવાનું ટાળવાની શીખ આપી હતી. સુશ્રી આયેશા પણ ગાંધીજીના અનેકવિધ ગુણો પૈકીના એક એવા નેતૃત્ત્વના ગુણ પર પ્રકાશ પાડ્યો હતો. તેણીએ નેતૃત્ત્વના મહત્ત્વ અંગેના તેના વિચારો રજૂ કર્યા હતાં.
આ ફેસબૂક લાઇવ વેબિનારનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય યુવા પેઢીને ગાંધીજીના મહાન મૂલ્યો અને સિદ્ધાંતોને આત્મસાત કરવા પ્રેરિત કરવાનો તથા આ ભૌતિકવાદી વિશ્વમાં સાદગીના મહત્ત્વ અને શક્તિને સમજાવવાનો હતો.