અમદાવાદ, નૌકરી નહીં તો વ્યાપાર કરીશું, હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશુ વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક સ્પર્ધા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 જેટલી યુવતીઓ અને મહિલાઓએ 10 મિનિટમાં આપેલ સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઇ કુશવાહ, ઓઢવના કોર્પોરેટર રાજુભાઇ દવે, શિવકુમાર શર્મા, તંત્રી સવેરા ગુજરાત, ઓઢવ કાઉન્સિલર મીનુબેન ઠાકુર અને નીતા બેન દેસાઈ, ડૉ. અરવિંદસિંહ, એડવોકેટ આશિષ પટેલ, દિલીપભાઈ શર્મા-રાસલીલા ઇવેન્ટ, મહેશભાઈ શાહ વિહિપ નેતા, એમ ડી તિવારી, કવિ ગિરીશ ઠાકુર, રેણુ ગૌતમ, નેતા કે કે ભાઈ, ભરતભાઇ ઝાલા, અર્ચનાસિંહ તોમર, પૂજાબા જાડેજા, દેશરાજસિંહ, ડો સિકંદરસિંહ સહિત અન્ય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રજ્વલિત કરી આ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું જીતેન્દ્રસિંહ તેમજ તેમના ધર્મપત્ની પૂનમબેન રાજપૂત દ્વારા મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાના અંતમાં નિર્ણાયક જજ દ્વારા સૌથી સુંદર અને વ્યવસ્થિત કેક બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં નિકોલની ક્રિશાની જાગાણી પ્રથમ નંબરે, શાહપુરની ફરહા લાલીવાળા દ્વિતિય નંબરે અને જામફળવાડીની કોમલ રાજપૂત ત્રીજા નંબરે આવી વિજેતા બની હતી જેઓને પ્રથમ ઇનામ 11 હજાર, દ્વિતિય ઇનામ 7 હજાર અને તૃતીય ઇનામ 5 હજાર સાથે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા છેલ્લા 8 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેના થકી આશરે 14 જેટલી દીકરીઓ, મહિલાઓ આ પ્લેટફોર્મ અને તેમના મળતા સહકાર થકી આત્મનિર્ભર બની પોતાની બેકરી ચલાવી રોજીરોટી મેળવી રહી છે તેમજ તેમની સાથે જોડાયેલ લોકોને પણ રોજગાર મળી રહેલ છે. તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પહેલને લોકો દ્વારા સરાહનીય કાર્ય સાથે વધાવવામાં આવી રહી છે.