ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર એક નવા પ્રોજેક્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. વર્ષો સુધી સિલ્વર સ્ક્રીન દ્વારા ગુજરાતી ફેન્સના દિલ પર રાજ કરનારા હિતેનકુમાર હવે મનોરંજનના એક નવા જ માધ્યમથી તમારા ઘર સુધી પહોંચવાના છે. જી હાં, આ વખતે હિતેનકુમાર પહેલી જ વાર એક ગુજરાતી વેબસિરીઝમાં જોવા મળશે. ‘દેસાઈ ડાયમંડ્સ’ નામની આ વેબસિરીઝ 21 એપ્રિલે આપ સૌના ગમતા ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર સ્ટ્રીમ થવાની છે.
‘દેસાઈ ડાયમંડ્સ’ એક ફેમિલી ડ્રામા વેબસિરીઝ છે. જેમાં અવિનાશ નામના બિઝનેસમેનના પારિવારિક જીવન અને બિઝનેસમાં ચાલતા સંઘર્ષની વાત છે. એક તરફ બિઝનેસ ડૂબી રહ્યો છે, જેના માટે અવિનાશ પોતાના હરીફ કેદાર ઝવેરીને જવાબદાર ગણે છે. બીજી તરફ અવિનાશનો પુત્ર તેની પત્નીને નફરત કરે છે, જેનો ભાર પરિવારમાં વર્તાય છે. આ બધાની વચ્ચે અવિનાશની દીકરીનું અપહરણ થાય છે. એક તરફ અવિનાશના પરિવાર પર આફત આવે છે, બીજી તરફ બિઝનેસની આંટીઘૂંટીમાં ફસાયેલો અવિનાશ કોને બચાવશે? કોણ છે જે અવિનાશના બિઝનેસ અને પરિવારને બરબાદ કરવા ઈચ્છે છે? શું પરિવારનું જ કોઈ તેમને દગો કરી રહ્યું છે, કે પછી આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? આ બધી જ મુશ્કેલીઓમાં અવિનાશ અને તેનો પરિવાર હેમખેમ બહાર નીકળશે કે પછી કંઈક ગુમાવવું પડશે? આ તમામ સવાલોના જવાબ વેબસિરીઝના જુદા જુદા એપિસોડમાંથી મળતા જશે.
હિતેનકુમારનું કહેવું છે કે,’OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો છે, ત્યારે વેબસિરીઝ એવું માધ્યમ છે, જે દર્શકો સુધી સરળતાથી પહોંચે છે. એમાંય શેમારૂ જેવું પ્લેટફોર્મ વિવિધતાસભર કન્ટેન્ટ પીરસે તો દર્શકો માટે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું છે. દેસાઈ ડાયમંડ્સની વાર્તા મારા માટે ખાસ છે, કારણ કે અહીં એક પરિવારની વાત કેન્દ્રમાં છે. અને એટલે જ આપણા ગુજરાતી દર્શકોને આ વેબસિરીઝ પસંદ આવશે તેની ખાતરી છે.’
‘દેસાઈ ડાયમંડ્સ’ વેબસિરીઝમાં હિતેનકુમારની હાજરી જ દર્શકોને ઉત્સાહિત કરવા માટે પૂરતી છે. પરંતુ આ વેબસિરીઝની સ્ટોરી પણ ઓછી રોમાંચક નથી. અહીં દરેક એપિસોડમાં ષડયંત્ર છે. રાહુલ મેવાવાલાએ ડિરેક્ટ કરેલી આ વેબસિરીઝમાં હિતેનકુમારની સાથે સોનાલી લેલે દેસાઈ, પરીક્ષીત ટમાલિયા, કિંજલ રાજપ્રિયા, વિપુલ વિઠલાણી, સ્મિત પંડ્યા, રાગી જાની, ભરત ઠક્કર જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. સાથે જ ગ્રીવા કંસારા, ધ્યાની જાની, ચિલ્કા પ્રીત, આલોક ઠાકર, કુશલ શાહ, મોહસીન શેખ, મીત શાહ અહીં મહત્વના રોલમાં દર્શકોનું મનોરંજન કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી ફિલ્મ, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો. 3 Attachments