ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, એન.સી.પી. ગુજરાતના પ્રમુખશ્રી જયંતભાઈ પટેલ (બોસ્કી) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ યુ.પી.એ.-1 અને યુ.પી.એ.-2 કાર્યકાળ દરમ્યાન તથા મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પહેલા એન.સી.પી. સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી. ફાંસીવાદી તાકાતો સામે સાથે મળીને ચૂંટણી લડશે. ગુજરાતમાં નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ, કુલ ત્રણ વિધાનસભા સીટમાં ગઠબંધનથી એન.સી.પી.ના મેન્ડેટથી ચૂંટણી લડાશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી પંકજભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ હિરેન બેંકર અને પાર્થીવરાજ કઠવાડીયા, એન.સી.પી.ના યુવા આગેવાનશ્રી નિકુલ તોમર ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતીય જનતા પક્ષના શહેરા વિધાનસભાના આગેવાનો તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી પંકજ પટેલ, પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અજીતસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રીઓ હિરેન બેંકર, પાર્થિવરાજ કઠવાડીયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષના શહેરા વિધાનસભાના આગેવાનશ્રી ખાતુભાઈ ગુલાબભાઈ પગી (પૂર્વ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ પંચમહાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ, શહેરા તાલુકા બારીયા ક્ષત્રિય સમાજના પ્રમુખ) તેમના સાથે 300 જેટલા જોડાયેલ સામાજીક – રાજકીય આગેવાનો, સમર્થકોને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાનોને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આ જ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ગુજરાતમાં ભાજપના દબંગ ધારાસભ્યો ડરનું વાતાવરણ ઊભુ કરી રહ્યાં છે ત્યારે આ વખતે સમગ્ર ગુજરાત દ્વારકા થી લઈને શહેરા સુધી ફાંસીવાદી અને બિનલોકતાંત્રિક પ્રસાશન સામે લોકશાહી રીતે જડબાતોડ જવાબ આપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલે ભાજપના આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે, સમગ્ર કોંગ્રેસ પક્ષનું સંગઠન આપ સૌની સાથે છે અને શહેરા વિધાનસભામાં ગુંડાગીરી અને બુટલેગરો સામે લડાઈ લડતા આપ સૌ હિંમતવાન આગેવાનો પર અમને ગર્વ છે. આ વખતે શહેરા જ નહીં પરંતુ ગુજરાતના દરેક ભાજપના ધારાસભ્યોની દબંગગીરીને જનતાએ જવાબ આપવાનું નક્કી કરી દીધી છે.
ભારતીય જનતા પક્ષના શહેરા વિધાનસભાના આગેવાનશ્રી ખાતુભાઈ ગુલાબભાઈ પગીએ જણાવ્યું હતું કે, હું અને મારા સાથીઓ 1980થી ભાજપમાં કાર્યરત હતા પરંતુ હાલમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે અમો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યાં છીએ અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મજબૂત કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવીશું.