7 એપ્રિલના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે યુનિવર્સિટી સ્પેશિયલ ઑલિમ્પિક સિલેક્શનમાં ભાગ લેવા જઈ રહેલા 7,500થી વધુ દિવ્યાંગ એથલીટ્સની તપાસ કરવા 650 ડેન્ટિસ્ટ અને વિદ્યાર્થીઓને તૈનાત કરશે
અમદાવાદ, 4 એપ્રિલ, 2022: આ વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવા માટે કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી બૌદ્ધિક વિકલાંગતા (ID) ધરાવતા બાળકોને મોંની સ્વચ્છતા જાળવવાની જાણકારી પૂરી પાડવા સૌથી મોટા ઓરલ હેલ્થ ચેક-અપનું આયોજન કરવા જઈ રહી છે. કર્ણાવતી યુનિવર્સિટી એ ગાંધીનગરના ઉવારસદમાં આવેલી રાજ્યની ખાનગી યુનવર્સિટી છે અને તે શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રત્યે સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી શિક્ષણ પર કેન્દ્રીત છે. આ પ્રકારની સૌપ્રથમ પહેલમાં લગભગ 7,500 જેટલા બૌદ્ધિક રીતે વિકલાંગ એથલીટ્સના મોંના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને તેમને મોંની સ્વચ્છતા જાળવવા અંગે જાણકારી પૂરી પાડવામાં આવશે. આ એથલીટ્સ સ્પેશિયલ ઑલિમ્પિક્સ ફેડરેશન માટેના પસંદગી અભિયાનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલના ભાગરૂપે આ પહેલ હાથ ધરવામાં આવી છે.
બૌદ્ધિક વિકલાંગતા (ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી (ID)) એક બૌદ્ધિક ક્ષમતાઓના વિકાસ સંબંધિત વિકાર છે, જે વિવિધ તીવ્રતામાં માનસિક અને અનુકૂલનશીલ કાર્યોને પ્રભાવિત કરે છે તથા તે સમગ્ર વિશ્વ માટે જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા છે. વિશ્વમાં સૌથી વધુ બાળકોની વસતી ભારતમાં વસે છે અને વિવિધ અભ્યાસોમાં ભારતમાં બૌદ્ધિક વિકલાંગતાના વિવિધ દરો પ્રવર્તમાન હોવાનું નોંધાયું છે, દર 1000 બાળકે 1.7 કેસથી માંડી દર 1000 બાળકે 32 કેસની વચ્ચે.
આ કાર્યક્રમના ભાગરૂપે કર્ણાવતી યુનિવર્સિટીની ટીમ ઓછામાં ઓછા 650 પાત્ર ડેન્ટિસ્ટ અને કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રીના વિદ્યાર્થીઓને કામે લગાડશે, જેઓ આ એથલીટ્સના મોંની સ્વચ્છતાની તપાસ કરશે. આ કાર્યક્રમ યુનિવર્સિટીના પ્રાંગણમાં જ લગભગ સાત કલાક સુધી ચાલશે. આ સિવાય, બૉડી ચેકઅપ માટે 400 ડૉક્ટર અને આંખોની તપાસ માટે 500 ડૉક્ટરોને પણ મૂકવામાં આવશે.
આ પહેલ અંગે પોતાના વિચારો રજૂ કરતાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘એ બાબત ખૂબ જાણીતી છે કે, મોંના આરોગ્યનો વ્યક્તિની સર્વસામાન્ય સુખાકારી પર ઘણો મોટો પ્રભાવ પડે છે. બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓએ તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેના પરિણામે તેમના મોંના આરોગ્યની યોગ્ય કાળજી લઈ શકાતી નથી. આથી વિશેષ, તેઓ પ્રણાલીગત સમસ્યાઓ સાથે જોડાયેલા હોય છે, જે દાંતના આરોગ્યને જાળવવાનું તેમના માટે વધુ મુશ્કેલ બનાવી દે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોના મોંના આરોગ્યની તપાસનું આયોજન કર્યું છે, જેથી કરીને અત્યાર સુધી પૂરી નહીં થઈ શકેલી તેમની દાંતની સારવારની જરૂરિયાતોને પૂરી કરી શકાય. આ પહેલનો ઉદ્દેશ્ય બૌદ્ધિક વિકલાંગ બાળકોને મોંની સ્વચ્છતા જાળવવાના મૂળભૂત પાઠ તથા વ્યવહારો શીખવવાનો પણ છે, જેથી તેમના મોંનું યોગ્ય આરોગ્ય જળવાઈ રહે.’
કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રીના એડિશનલ ડિરેક્ટર પ્રો. (ડૉ.) રોહન ભટ્ટ (એમડીએસ)એ જણાવ્યું હતું કે, ‘આ કાર્યક્રમ મારફતે અમારો ઉદ્દેશ્ય આ વંચિત લોકોને જરૂરી સમજણ પૂરી પાડી તેમનામાં જાગૃતિ પેદા કરવાનો છે, જે તેમને તેમની આ સ્થિતિમાં પોતાના મોંનું આરોગ્ય જાળવવામાં મદદરૂપ થશે. અમારું માનવું છે કે, આ પ્રયાસને કારણે આ બાળકોની સામાજિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક સુખાકારીના સંદર્ભમાં તેમના જીવનમાં હકારાત્મક અને મૂલ્યવાન પરિવર્તન લાવી શકાશે.’
વધુ માહિતી માટે સંપર્ક કરોઃ
પ્રો. (ડૉ.) રોહન ભટ્ટ (એમડીએસ)
એડિશનલ ડિરેક્ટર, કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી
9624021999