• 500 થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો
• પરમ પવિત્ર ઓમ રૂષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ, જાન્યુઆરી, 2024: અમદાવાદના ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનજીઓ) દ્વારા 9માં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થત રહ્યાં હતાં.
દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે. દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “દિવ્યાંગ પતંગ મહોત્સવ”નું આયોજન કરાયું હતું. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ રૂષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પતંગ ઉડાડવાની સાથે ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલ અશોકકુમાર શાહ તથા મિહિર અશોકકુમાર શાહ એ બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ 9મોં પતંગ મહોત્સવ છે અને દર વર્ષે દિવ્યાંગ બાળકો સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લે છે.
ખાસ દિવ્યાંગ લોકોની સેવા અને ઉત્થાન માટે પરમ પૂજ્ય શ્રી પ્રિતેશભાઈ અશોક કુમાર શાહને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. “ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ” ની સ્થાપના વર્ષ 2014 માં મંત્રયુગ પરિવર્તક સંત શ્રી ઓમરુષિ પ્રિતેશભાઈની પ્રેરણાથી કરવામાં આવી હતી. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકોને કોઈપણ જાતિ, લિંગ અથવા ધર્મના ભેદભાવ વિના મદદ કરવાનો છે.
પરમ પૂજ્ય શ્રી પ્રિતેશભાઈ એ જણાવ્યું હતું કે, “અમારો ટ્રસ્ટ શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશાથી કામ કરે છે અને અમે જે સંતોષ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ તે શબ્દોમાં સમજાવી શકાતું નથી. અમે આવા સમુદાયોના વિકાસ અને નોંધણી તરફના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માંગીએ છીએ. દિવ્યાંગ લોકો સામાન્ય માણસની જેમ જ અગ્રેસર રહે તે માટે અમે પ્રયત્નો કરીએ છીએ.”